*ઉંદર પકડવા સારૂ વિવિધ સાધન સામગ્રીનું વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર સાબરકાંઠા જિલ્લામાં પ્રતિબંધ*
સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) ૨૮/૨૦૨૪) સંદર્ભે ઉંદર પકડવાની જાળ ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે પરિપત્ર અન્વયે પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા, વેદના, ન આપવા અંગે જોગવાઈ થયેલ છે.
જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં ઉક્ત જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે. ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.
ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતીઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પધ્ધતિ ન અપનાવવા અને ઉંદર પકડવા સારૂ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર સાબરકાંઠા જીલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ સુચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી કુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એમ નાયબ પશુપાલન નિયામકશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*********