ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે સતત ત્રીજી વાર મેળવ્યુ “લક્ષ્ય” LaQshya નું રાષ્ટ્રીય પ્રમાણપત્ર*
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે સતત ત્રીજી વાર “ લક્ષ્ય” LaQshya નું રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવી આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
નીતિ આયોગના આરોગ્યના મુખ્ય સુચકાંકોમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવું તે અગ્રીમ સ્થાને છે. સરકારી હોસ્પિટલમાં ગુણવતાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુસર સરકારશ્રી દ્વારા વિવિધ માપદંડોનું અમલીકરણ કરાવવામાં આવે છે. આરોગ્ય સેવાઓના મુખ્ય લાભાર્થી એવા સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને સમયસર,ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓથી માતા અને બાળ મરણ દરમાં ઘટાડો લાવવાના ધ્યેયને પરિપુર્ણ કરાવવામાં LaQshya, NQAS અને કાયાકલ્પ જેવા જુદાજુદા એસેસમેન્ટ કરવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર અને ત્રણ આદિવાસી બહુમૂલક તાલુકા ધરાવતો જિલ્લો છે. આ ત્રણ તાલુકાની સગર્ભા અને ધાત્રીમાતાઓ નવજાત શિશુઓ મુખ્યત્વે ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી સારવાર મેળવે છે.જેમાં સમગ્ર વર્ષ દરમિયાન આશરે 3000 ઉપરાંત સલામત પ્રસુતિઓ થાય છે.જેમાં સિઝેરીયન ડીલેવરીનો રેશિયો 15 % થી પણ ઓછો હોય છે.તેમજ નવજાત શિશુઓને પણ જરૂરી સેવાઓ સમયસર મળી રહે છે.
ભારત સરકારશ્રી દ્વારા ‘લક્ષ્ય’ LAQSHAY (Labour Room and Quality Improvement ) પ્રમાણપત્ર મેળવવા માટે માપદંડો નિયત કરવામાં આવેલા છે. આ પ્રમાણપત્ર મેળવવા સલામત પ્રસુતિ, રિસ્પેક્ટફુલ મેટરનલ કેર તથા નવજાત શિશુને જરૂરી સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તદુપરાંત એસ. એન. સી. યુ, ઓપરેશન થિયેટર, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ, બાયો મેડિકલ વેસ્ટ જેવી બાબતોની ચકાસણી માટે રાષ્ટ્રકક્ષાએથી આવેલ ટીમ ખૂબજ ઝીણવટ પૂર્વક અને ચોકસાઈથી તપાસ કરે છે.
ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રકક્ષાની ટીમ દ્વારા કરાયેલ એસેસમેન્ટ લેબર રુમ માટેના તમામ માપદંડોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે 99.33 ગુણ અને મેટેરનીટી ઓપરેશન થિયેટરમાં 96.38 ગુણ મેળવ્યા છે. સાબરકાંઠા જિલ્લાની આરોગ્ય સેવાઓમાં ખેડબ્રહમા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે ત્રીજી વખત મેળવેલ આ પ્રમાણપત્રથી આરોગ્ય સેવાઓની સંસ્થાઓમાં વધુ એક મોરપીંછ નો ઉમેરો થયો છે. જિલ્લા વિકાસ અધિકારિશ્રીની પ્રેરણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રીના માર્ગદર્શન હેઠળ હેલ્થ ટીમ ખેડબ્રહમાની આ ગૌરવરુપ સિધ્ધિ છે.