૨૬ વર્ષિય યુવાનનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરતી હિંમતનગર સિવિલ હોસ્પિટલ.
*યુવાને સેલ્ફોસ ખાઇ લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો*
સરકારી હોસ્પિટલના તબીબોની મહેનતના પરિણામે દર્દીનો જીવ બચ્યો
**********
સરકારી હોસ્પિટલોમાં બેદરકારી અને અનિયમિતતા સાથે દર્દી તરફ ધ્યાન નથી અપાતુ એવી ફરિયાદો આપણે સમાચાર માધ્યમોમાં અવારનવાર જોતા અને સાંભળતા આવીએ છીએ. આ કારણે સરકારી હોસ્પિટલો પ્રત્યે નકારાત્મકવૃતિથી જોવાની આપણને ટેવ પડી ગયેલ છે. આને લીધે સરકારી હોસ્પિટલો પણ સારી અને ઉચ્ચતમ સારવાર આપી શકે છે. તેવો વિશ્વાસ આપણને બેસતો જ નથી. પણ આજે આપણી આ માન્યતાનું ખંડન કરતું અને સરકારી હોસ્પિટલોમાં વિશ્વાસ પેદા કરે એવુ ઉદાહરણ હિંમતનગર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલે પુરું પાડ્યુ છે.
વિગત એવી છે કે ૧૦ જાન્યુઆરી ના રોજ રાત્રે ૯ વાગ્યે ઇમરજન્સી વિભાગમાં ૨૬ વર્ષનો એક યુવાન ઉલટી અને ચક્કર આવવાની તકલીફ સાથે અર્ધબેભાન અવસ્થામાં લાવવામાં આવે છે. ફરજ પરના ડૉક્ટરો અને સ્ટાફ દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં લાગી જાય છે. દર્દીથી થોડે દુર ઊભા રહી બીજા એક ડૉક્ટર દર્દી સાથે આવેલ પત્ની બાળકો અને બીજા સગા-સંબંધીઓને દર્દીની હીસ્ટ્રી વિષે પુછે છે. ત્યારે તેમાના એક વડીલ લીલા રંગનુ એક પેકેટ બતાવી કહે છે કે આ દવા દર્દીએ ગુસ્સામાં પી લીધેલ છે.
દવા પરનુ નામ વાંચી ડૉક્ટર જરા ચોંકે છે. તરત જ એ પેકેટ લઈ સારવાર કરી રહેલા સિનિયર ડૉક્ટરને બતાવે છે. દવાનુ નામ વાંચતા જ ડૉક્ટરના મુખ પર આવેલી નિરાશા છૂપાઈ ના શકી.
દવાનું નામ હોય છે “CELPHOS” (સેલ્ફોસ). સામાન્ય રીતે ધાન્યનો સંગ્રહ કરતા ધાન્ય બગડે નહી તેના માટે આ દવા વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. પણ આ દવાની ખાસિયત એ છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ દવા ગળી જાય તો તેનું મૃત્યુ લગભગ નિશ્ચિત હોય છે. આ દવાનો મનુષ્યમાં Mortality rate (મરણ થવાની શક્યતા) લગભગ ૧૦૦ % સુધી છે. સારામાં સારી સારવાર આપવા છતાં પણ મોટા ભાગના કિસ્સાઓમાં દર્દીનું મૃત્યુ રોકી શકાતુ નથી.
દર્દીએ દવા પીધેલ એને હજુ ૩૦ મિનિટ જેટલો જ સમય થયેલ હોવાથી ત્વરિત સારવારના કારણે કદાચ કંઈક થઈ એવી આશાએ નાક વાટે નળી નાખી પીધેલ દવા કાઢવાનો પ્રયત્ન શરૂ થયો. આ સાથે જ ડૉક્ટર એક સગાને બોલાવી તેને ચારથી પાંચ બોટલ નાળિયેર તેલ લાવવા માટે કહે છે. બિચારાને કંઈ સમજાતુ નથી કે નાળિયેર તેલનું હોસ્પિટલમાં શુ કામ..?
પણ ડૉક્ટરે કહ્યુ એટલે દોડતો જઈને હોસ્પિટલ સામેના બજારમાંથી તુરંત જ પાંચ બોટલ નાળિયેર તેલ લઈને આવી જાય છે. ત્યારબાદ નાકની નળી વાટે kmno4 નામની દવા અને નાળિયેર તેલ પેટમાં નાખી થોડી વાર પછી આજ મિશ્રણ બહાર કાઢવામાં આવે છે. પેટમાં રહેલી દવા શોષાઈને લોહીમાં ના ભળે એના માટે આ પ્રક્રિયા ઘણી વખત આ જાતના Poisoning માં અસરકારક નિવડતી હોય છે.
શરૂઆતમાં જેટલુ થઈ શકે એટલુ કર્યાનો સંતોષ માની ડૉક્ટર દ્વારા દર્દિને ICU માં મોનિટરિંગ માટે મોકલવામાં આવે છે. સાથો સાથ બધા બ્લડ રિપોર્ટ્સ પણ મોકલવામાં આવે છે. મેડિસીન વિભાગના વોટ્સએપ ગ્રુપમાં જાણ કરવામાં આવે છે કે ૨૬ વર્ષનો એક યુવાન CELPHOS Poisoning માટે એડમીટ કરવામાં આવેલ છે. (આ મેસેજનો ગર્ભિત મર્મ લગભગ બધા જ ડૉક્ટરો સમજે છે). રાત્રે અગિયાર વાગ્યે વિભાગના વડા દ્વારા એક રેસિડન્ટ ડૉક્ટરને આજે જ રાત્રે CELPHOS Poisoning ની સારવાર વિષેના લેટેસ્ટમાં લેટેસ્ટ રિસર્ચ ઈન્ટરનેટ પરથી ખોળીને Review કરવાનો આદેશ થાય છે. અને આવતી કાલે સવારે એના પર પ્રેઝન્ટેશન દેવાનુ પણ કહેવામાં આવે છે.
સાથે જ જરૂર પડે છે સગા-સંબંધીઓને આવનાર પરિણામ વિષે જાણ કરવાની. આવા યુવાન વયના કેસોમાં સારવાર કરતા પણ વધારે અઘરી અને હ્રદયદ્વારક બાબત આ બની જતી હોય છે. હ્રદય પર પથ્થર રાખીને પણ તેમને હકિકત સમજવવામાં આવે છે. આંખમાં આવી ગયેલ આંસુ અને ભારે અવાજ સાથે તેના માતા-પિતા અને પત્ની બસ આટલું જ કહે છે કે “તમારાથી થઈ શકે એટલુ કરો બાકી અમારા નસીબ. અમને તમારા પર પૂરો વિશ્વાસ છે.”
બીજે દિવસે સવારે ડેમોન્સ્ટ્રેશન રૂમમાં CELPHOS Poisoning વિષેની દરેક શક્ય સારવાર જે અત્યાર સુધીના કેસોમાં થઈ ચૂકી છે તેનુ પ્રેઝન્ટેશન થાય છે. દર્દીની હાલની સ્થિતિ અને થઈ શક્તા કોમ્પ્લીકેશન અને તેની સારવાર વિષે વિગતવાર ચર્ચા થાય છે. અને નક્કી કરવામાં આવે છે કે પરિણામની પરવા કર્યા વિના થઈ શકે એટલી મહેનત કરી દર્દીને બચાવતા પ્રયત્ન કરવો. પ્રેઝન્ટેશનની અંતીમ સ્લાઈડનો એ શ્લોક “कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।“ એ પરિસ્થિતિમાં લગભગ યથાર્થ જ હતો. દર્દીના લોહીના રિપોર્ટ પરથી જણાયુ કે લીવર અને કિડનીમાં સોજો આવેલ છે. જે આ બંને ઓર્ગન ફેલ થવાની શરૂઆત હોઈ શકે. ઓક્સિજન લેવલ પણ ૭૦ % ઓછુ થઈ ગયેલુ એનો મતલબ ફેફસાં પર પણ અસર થઈ ચુકી હતી. છતા પણ આશા છોડ્યા વગર N-acetyl cysteine, mgso4, calcium gluconate, steroid જેવા અલગ-અલગ પ્રકારના શક્ય તેટલા ઉપાયો યોજવામાં આવ્યા.
બેથી ત્રણ દિવસ સુધી કોઈ જ સુધારો નજરમાં આવેલ નહી. છતાં પણ આશા છોડવા વગર મહેનત ચાલુ રાખવામાં આવી. પરંતુ ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે લોહીના રિપોર્ટ અને ઓક્સિજન લેવલમાં સુધારો આવવા લાગ્યો. ઘણા કિસ્સાઓમાં આવા સુધારા ક્ષણિક હોય છે અને અંતે નિરાશા જ મળે છે. છતાં પણ થોડી આશા તો સૌને બંધાઈ કે કદાચ ન બનવાનું બની જાઈ. કદાચને ચમત્કાર થઈ પણ જાય.
દર્દીના સગા પણ દર્દીની હાલતમાં સુધારો જોતા હતા. સગા વહાલા વધારે આશાવાદી થઈ બાદમાં નિરાશ ન બને એ માટે નકારાત્મક વાક્યો જણાવવામાં જરૂરી બન્યા.
ત્યારબાદ ના દરેક દિવસે લગભગ થોડો સુધારો જ જોવામાં આવ્યો. ધીમે ધીમે આનંદ અને આશ્ચર્ય વચ્ચે સૌને વિશ્વાસ આવવા લાગ્યો કે “ કર્મનું ફળ મળી રહ્યું છે.”
થોડા દિવસો બાદ ૨૪ જાન્યુઆરીની તારીખે દર્દીને હાલતી-ચાલતી સ્થિતિમાં રજા આપવામાં આવે છે.
CELPHOS Poisoning ના દર્દીને જો સધન ICU સારવાર આપવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે. પણ જરૂર હોય છે ઉચ્ચતમ સારવારની સગવડો સાથે એક સમર્પિત તબીબોની ટીમની, જે હિંમતનગર મેડિકલ કોલેજના મેડિસીન વિભાગે કરી બતાવ્યુ અને સૌથી અગત્યનુ હોય છે સગા વહાલાનો હોસ્પિટલ પર વિશ્વાસ.
આજથી ૧૫-૨૦ વર્ષ પહેલાની અને આજની સરકારી હોસ્પિટલોમા જમીન-આસમાનનો તફાવત છે. સરકારી હોસ્પિટલ પ્રત્યેનો નાકારાત્મક દ્રષ્ટિકોણ બદલી તેમાંના ડૉક્ટરો પર જો વિશ્વાસ અને શ્રધ્ધા રાખવામાં આવે તો આવા પરિણામો પણ મળે છે.
અને આ સ્ટોરી માત્ર એક જ નથી આવા હજારો ઉદાહરણો સરકારી હોસ્પિટલોમાં અવારનવાર મળતા હોય છે. પરંતુ આપણને હંમેશા નેગેટીવ બાબતો પર જ ધ્યાન આપવાની આદત પડી ગયેલ છે.
“સોચ બદલ કે દેખીયે, બહુત કુછ અચ્છા દિખેગા.”