રાજ્યકક્ષા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
*અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રીએ
બાળ દર્દીઓના આરોગ્ય અંગે વિગતો મેળવી*
સાબરકાંઠા જિલ્લામાં અન્ન અને નાગરીક પુરવઠા,સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે બાળ દર્દીઓની મુલાકાત કરીને તેમના આરોગ્યની પૃચ્છા કરી હતી. મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી.આ ઉપરાંત નાના બાળકોમાં તાવ હોય તો તે તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા મેડીકલ કોલેજમાં એડમિટ કરવા ખાસ સુચન કર્યુ હતુ. આ સાથે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ બાળકોના આરોગ્ય અંગે વિગતો મેળવી હતી.
રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઇ છે. મંત્રીશ્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી એ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે મંત્રીશ્રીને વિસ્તારે માહીતી આપી હતી.
આ મુલાકાતમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે,મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
***********