*હવે લાભાર્થીઓ પોતાના મોબાઇલ ફોનથી આંગળીના ટેરવે જ મેળવી શકશે આયુષ્માન કાર્ડની સેવાઓની જાણકારી*
*સાબરકાઠાંમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સેવાઓની જાણકારી અર્થે “આરોગ્ય મંદિર” મોબાઇલ એપ્લીકેશન લોંચ કરાઇ*
**
સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સેવાઓની જાણકારી અર્થે હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા અને જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના હસ્તે “આરોગ્ય મંદિર” મોબાઇલ એપ્લિકેશન ખુલ્લી મુકી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
આયુષ્માન ભારત પીએમ-જેએવાય હેઠળ દરેક લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારની આરોગ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્માન અભિયાન હેઠળ જિલ્લામાં 7,90,767 પરિવારો આયુષ્માન કાર્ડધારકો છે.
પ્રધાનમંત્રી જ્ન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીને કુટુંબ દિઠ વાર્ષિક રૂ.૧૦ લાખની હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માં આયુષ્માન કાર્ડધારકોએ હ્રદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર બિમારીઓમાં રુ. 56 કરોડ જેટલી મોટી રકમની મફત સારવાર મેળવી છે.
જિલ્લાના છેવાડાના માનવી સુધી આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ પહોચેં તે સરકારશ્રીનો પ્રથમ ધ્યેય છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રીના માર્ગદર્શન હેઠળ “આરોગ્ય મંદિર” એપ્લીકેશન તૈયાર કરી એક નવીન પહેલ કરવામાં આવી છે.આ એપ્લીકેશનમાં આયુષ્માન યોજના સાથે જોડાયેલ હોસ્પિટલનું નામ- સરનામું, હોસ્પિટલનો સંપર્ક નંબર તેમજ હોસ્પિટલ કઇ કઇ સુવિધા માટે જોડાયેલ છે તે બધી માહિતી આસાનીથી ઘરે બેઠા આંગળીના ટેરવે મેળવી શકશે.
“ આરોગ્ય મંદિર ” એપ્લીકેશનમાં લાભાર્થી પ્લેસ્ટોર > આરોગ્ય મંદિર ક્રિવા > ઇન્સ્ટોલ… જેવા માત્ર ત્રણ સ્ટેપથી આરોગ્ય સેવા વિશે સંપુર્ણૅ જાણકારી મેળવી શક્શે. આ સેવાની વિશેષતામાં જ્યારે લાભાર્થી હોસ્પિટલ સીલેક્ટ કરે ત્યારે તે સીધા ગુગલ મેપ દ્વારા હોસ્પિટલ સુધી પોંહચી શકે છે. તદુપરાંત લાભાર્થીને જો હોસ્પિટલ માટે કોઇ ફરિયાદ કે સુચન હોય તે પણ આ એપ્લીકેશનમાં જણાવી શકે છે.
“ આરોગ્ય મંદિર” મોબાઇલ એપ્લીકેશન દ્વારા પ્રધાનમંત્રી જ્ન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે આશિર્વાદ રૂપ બની રહેશે.જિલ્લાના નાગરીકો વધુમાં વધુ આ સેવાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે.