મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “સ્મૃતિવન, અન અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક” કોફી-ટેબલ બુકનું વિમોચન કર્યું.
૨૦૦૧ના ગુજરાત ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું પુસ્તકમાં વર્ણન
ભૂકંપ પીડીતોના સ્મૃતિમાં વડાપ્રધાનશ્રીની નરેનદ્રભાઈ મોદીની પ્રેરણાથી બનેલું સ્મૃતિ વન સાડા પાંચ લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસનું નિરૂપણ કરતી કોફીટેબલ બૂક
………..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “સ્મૃતિવન, અન અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક” પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-જી.એસ.ડી.એમ.એ. દ્વારા આ કોફીટેબલ બૂક પ્રકાશિત કરવામાં આવી છે.
૨૬મી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને ૨૩ વર્ષ પૂરા થવા પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં 2001ના ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં થયેલી ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશનમાં જે સ્મૃતિવન અને મ્યુઝિયમ ભૂકંપ પીડીતોની યાદમાં તૈયાર કરવામાં આવ્યા છે. તેનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીએ ઓગસ્ટ ૨૦૨૨માં કર્યુ હતું.
ભૂજીયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી સાડા પાંચ લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે તેની સિદ્ધિઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા ‘રેડડોટ, ૨૦૨૩’ એવોર્ડ, ૧૩મો ‘CII ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ-૨૦૨૩’, ‘લંડન ડિઝાઇન એવોર્ડ-૨૦૨૩’, ‘ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર ૨૦૨૩’ વગેરે આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
કોફી ટેબલ બુકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.
કચ્છનું ખમીર અને ઝમીર ઝળકાવવા સાથે ગુજરાતીઓની શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા, આફતને અવસરમાં પલટવાના સ્વભાવની આ બુક પરિચાયક છે.
આ વિમોચન અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ કુમાર દાસ,જી.એસ.ડી.એમ.એ.ના સી.ઈ.ઓ. અનુપમ આનંદ મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા જી.એસ.ડી એમ.એ અને સ્મૃતિવન મેમોરિયલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……….