સાબરકાંઠાના ૯૫૮૧ અને અરવલ્લીના ૫૪૭૧ દિવ્યાંગ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાશે
દિવ્યાંગ મતદારોની સુવિધા માટે Saksham Application
સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને ક્લેક્ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ નાગરીકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ઉપક્રમે આજે સાબરકાંઠા જિલ્લાના દિવ્યાંગોમાં મતદાર જાગૃતિ અંગે સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન જિલ્લા સેવા સદન, હિંમતનગર ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં ૮૦ જેટલા દિવ્યાંગ મતદારોએ હાજરી આપી મતદાન અવશ્ય કરીશુ અને જિલ્લાના અન્ય દિવ્યાંગજનોને પણ મતદાનના દિવસે મતદાન કરે તે માટે પ્રેરિત કરીશુના શપથ લીધા હતા
ભારતના ચૂંટણીપંચે વરીષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ૮૫ વર્ષથી વધુના ૮૧૬૨ મતદારો અને ૯૫૮૧ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ૮૫ વર્ષથી વધુના ૭૬૬૦ અને ૫૪૭૧ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. આ મતદારો પૈકી જેઓ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે.
સાબરકાંઠા જિલ્લાના ચાર મતદાર વિભાગની વાત કરીએ તો ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૨૪૬૩ દિવ્યાંગ મતદારો, ૨૮-ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૨૨૨૨ તથા ૨૯ ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં ૨૬૯૨ અને ૩૩- પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારમાં ૨૨૦૪ દિવ્યાંગ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જ્યારે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ૩૦-ભિલોડા વિધાનસભા મતવિસ્તારમાં ૨૧૦૬ તથા ૩૧-મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં ૧૯૨૭ તેમજ ૩૨-બાયડ વિધાનસભા મતવિસ્તારમાં ૧૪૩૮ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.
ચૂંટણીઓને ભાગીદારીપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો અને દિવ્યાંગો માટે મતદાન સુલભ અને સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ભારતીય ચૂંટણી પંચ દ્રારા Saksham Application
– PwD મતદાર તરીકે નામ અંકિત કરાવવું.
– વ્હીલચેર માટે વિનંતી કરવી.
– મતદારયાદીમાં નવું નામ નોંધાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવા.
– સ્થળાંતર માટે
તો દરેક મતદારો અને ઉમેદવારો આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશનો પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન તથા ચૂંટણી સંબંધિત અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં કોઇ પણ સમસ્યા વગર સહભાગી થઈ શકે.