*સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઇ સર્વેની કામગીરી હાથ ધરાઈ
સાબરકાંઠા જિલ્લામાં વાઇરલ એનકેફેલાઇટીસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના કેસને લઇ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર તાલુકાના પીપળીયા, રામપુર, હાથરોલ અને રૂપાલ કંપા વિસ્તાર તથા ખેડબ્રહ્મા તાલુકાના દિગથલી, ભરમિયા, સેબલિયા, નાના કોદરીયા, મામા પીપળી, ઉભા પોણા તથા પારગી ફળિયુ વિસ્તાર તથા સીમ વિસ્તારમાં સર્વે કામગીરી કરતા 2929 ઘરોમાં 15430 જેટલા લોકોનું 20 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું.
આ રોગ સેન્ડ ફલાયના કરડવાથી થાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે. આપના વિસ્તારમાં ૧૪ વર્ષથી નાના બાળકોમાં તાવ સાથે ઝાડા ,ઊલટી તથા ખેંચ જેવી તકલીફ જેવા બાળકો (શંકાસ્પદ ચાંદીપુરા) જણાય તો તાત્કાલીક આરોગ્ય વિભાગ નો સંપર્ક કરવો. આ રોગમાં ૪૮ થી ૭૨ કલાકમાં મરણ થતું હોય છે જેથી આની ગંભીરતા સમજી તાત્કાલીક નજીકના દવાખાનામાં સંપર્ક કરવો.
સાબરકાંઠાના હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં બે વાઇરલ એનકેફેલાઇટીસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના કેસો નોંધાયેલ છે. જેમાંથી એક બાળકનું મરણ થયેલ છે અને એક બાળકનું આરોગ્ય સારું છે.જે હિંમતનગર સિવિલમાં દાખલ છે .આ બંને બાળકોના સેમ્પલ લઇ પુણે મોકલાયા છે. જેના ચાર થી પાંચ દિવસમાં પરિણામ આવશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી દરમિયાન 203 કાચા ઘરો મળતા તેમાં દીવાલોની તિરાડમાં માટી – લિંપણ પુરાવાનું તથા મેલેથીઓન ડસ્ટીંગ કામગીરી કરાવવામાં આવી છે.
પોરાનાશક કામગીરી અંતર્ગત 2929 ઘરોમાં 8703 પાત્રોની ચકાસણી કરતા 70 પોઝિટિવ પાત્રો મળતા તેમાં પોરાનાશક કામગીરી તેમજ 307 ઘરોમાં સોર્સ રિડક્શન પણ કરવામાં આવી છે.