વિજયનગર તા.પં. પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી ખેડબ્રહ્મા ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ વિકાસ કમિશ્નરને રજૂઆત કરી રદ્દ કરવા રજૂઆત કરાઇ
ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રદ કરવા અથવા મુલતવી રાખવા માટે વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે. તેમણે આ ચૂંટણી ૬-ચિતરીયા તાલુકા પંચાયત બેઠકના પરિણામ બાદ યોજવાની ભલામણ કરી છે.સમગ્ર ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન થયું હતું, જેના પરિણામ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ જાહેર થયા હતા.જોકે, ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતી વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અવસાન થયું હતું. આથી, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી હતી.હવે, ૬-ચિતરીયા બેઠક પર ૨૪ મે, ૨૦૨૬ના રોજ ફરીથી મતદાન થનાર છે અને તેનું પરિણામ ૨૬ મે, ૨૦૨૬ના રોજ જાહેર થશે. આ સંજોગોમાં, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ૨૫ મે, ૨૦૨૬ના રોજ યોજવા માટે એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે.ડો. તુષાર ચૌધરીએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, હરીફ ઉમેદવારના અવસાનને કારણે રદ થયેલી ચૂંટણીને સામાન્ય ચૂંટણી જ ગણવી જોઈએ. વિજયનગર તાલુકા પંચાયતના તમામ ૧૮ સભ્યો ચૂંટાયા બાદ જ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવી યોગ્ય રહેશે.વધુમાં, ૬-ચિતરીયા તાલુકા પંચાયત બેઠક મહિલા એસ.ટી. અનામત છે અને વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખ પદ પણ એસ.ટી. અનામત છે. જો ૨૫ મેના રોજ ચૂંટણી યોજાશે, તો ૬-ચિતરીયા બેઠકના વિજેતા ઉમેદવારનો પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદાન કરવાનો તેમજ આ પદ માટે દાવેદારી કરવાનો હક છીનવાઈ જશે.આ મામલે વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા પણ ૧૯ મે, ૨૦૨૬ના રોજ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.આથી, ૬-ચિતરીયા બેઠકના મહિલા વિજેતા ઉમેદવારનો હક ન છીનવાય તે સુનિશ્ચિત કરવા માટે, આ બેઠકનું પરિણામ ૨૬ મે, ૨૦૨૬ના રોજ જાહેર થયા બાદ જ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવા માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવા ડો. ચૌધરીએ ભલામણ અને વિનંતી કરી છે.
Post Views: 10



