ચેક રીટર્નની ફરિયાદમાં દેલવાડાના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકારતી ખેડબ્રહ્મા કોર્ટ …
દેલવાડા ગામના ઇસમ જતીનભાઈ રાજાભાઈ પરમારે મિત્રતાના સંબંધમાં મુકેશકુમાર કાન્તિલાલ પટેલ, રહે.માતાજી કંપા, ખેડબ્રહ્મા નાઓની પાસેથી રૂ.૬૧,૦૦૦/- હાથ ઉછીના લીધા પછી વાયદા મુજબ પરત ન આપતા ફરિયાદી મુકેશકુમાર દ્વારા જતીનભાઈ પાસે ઉઘરાણી કરતાં જતીનભાઈએ મુકેશભાઈને ચેક આપેલ અને સદર ચેક પાકતી તારીખે બેંકમાં ભરતાં આરોપીના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોવાના કારણે ચેક સ્વીકારાયા વિના પરત ફરતાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ખેડબ્રહ્માના મહે.એડી.ચીફ જ્યુ.મેજી.સાહેબશ્રીની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ. એક્ટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટર્ન થયા બાબતની ફરિયાદ ફોજદારી કેસ નં.૭૫૪/૨૦૨૩ થી દાખલ કરેલ, સદર ફરિયાદ નામદાર કોર્ટ સમક્ષ ચાલી જતા અને ફરિયાદીના વકીલશ્રી કમલ આઈ.પંડ્યા અને વિવેક બી.વૈષ્ણવના રજુ કરેલ પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઇ નામ.કોર્ટે તા.૧૭/૦૭/૨૦૨૬ ના રોજ આરોપી જતીનભાઈ રાજાભાઈ પરમારને સદર ગુન્હામાં દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમનો દંડ કરવાનો અને જો આરોપી દંડની રકમ જમા ન કરાવે તો આરોપીએ વધુ ત્રણ માસની સજા ભોગવવી તેમજ દંડની રકમ જમા થયેથી અપીલ સમય બાદ સદર રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ.




